શ્રી બારીઆ સાતગામ શાનાગર યુવક મંડળની વિવિધ પ્રવૃત્તિઓ

(૧.) વસ્તીપત્રક :- આપણા આ મંડળની કાર્યવાહક સમિતિએ સને ૧૯૬૭માં જ્ઞાતિનું પ્રથમ વસ્તીપત્રક છપાવવાનો ઠરાવ કર્યો, જ્ઞાતિના કયા કયા સભ્યો ક્યાં રહે છે? તેઓની પ્રવૃત્તિ શું છે? તેમની આર્થિક, સામાજિક, શૈક્ષણિક કે કૌટુંબિક સ્થિતિ કેવી છે? વગેરેની માહિતી એકત્ર કરી આપણા સમાજ સમક્ષ મૂકવાનું ભગીરથ કાર્ય કરવાની જવાબદારી આપણા સમાજ રત્ન મુરબ્બી શ્રી રમણલાલ જેઠાલાલ શાહે સ્વીકારી. તેમની સાથે શ્રી ઈશ્વરલાલ ભોગીલાલ શાહ અને શ્રી ચંદુલાલ હરિલાલ શાહ જોડાયા. આ ત્રણે મિત્રોએ જ્ઞાતિના વિવિધ સ્થળોએ રહેતા તમામ સભ્યોનો સંપર્ક કરી તેમની માહિતી તેમની પાસેથી મેળવી સારો એવો પરિશ્રમ કરીને વસ્તીપત્રક બનાવવાનું ચાલુ કર્યું. આ પ્રથમ વસ્તીપત્રક હોઈ જ્ઞાતિબંધુઓને તેનું સાચું મહત્ત્વ ન સમજાતાં પોતાની માહિતી મોકલવામાં બધા ઢીલ કરતા. લગભગ દોઢેક વર્ષની મથામણ બાદ પ્રથમ વસ્તીપત્રક તા.૧૬-૩-૧૯૬૯ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું જેમાં શક્ય તેટલી માહિતી આપવામાં આવી. જ્ઞાતિના સભ્યોનાં ગોત્ર વગેરેની માહિતી પ્રાપ્ત કરી આપણાં ૮ ગોત્રોમાં વિભાજિત થયેલ જ્ઞાતિબંધુઓનાપૂર્વજો અને વંશજોની જાણકારી વ્યવસ્થિત રીતે અલગ અલગ વંશવૃક્ષોમાં વિભાજિત કરી તમામ વંશવૃક્ષો દ્વારા કયા સભ્ય કયા વંશના છે અને તેમના પૂર્વજો કોણ હતા તે સંપૂર્ણ માહિતી આ ત્રણ મિત્રોએ ખુબજ કષ્ટ વેઠી પ્રાપ્ત કરી તેને વ્યવસ્થિત રીતે ગોઠવી જ્ઞાતિ સમક્ષ વસ્તીપત્રકદ્વારા રજૂ કરી. તેમનો આ પરિશ્રમ અને તેમની આ મહેનત સાચેજ દાદ માગીલે તેવાં છે. આવી વંશાવલિઓ તૈયાર કરવા તેમણે અથક પ્રયત્નો કર્યા હતા તે અમારી જાણમાં છે. શૂન્યમાંથી સંશોધન કરી તેમણે આપણને સર્વ પ્રથમ પહેલું વસ્તીપત્રક શક્ય તેટલું માહિતી સભર બનાવીને આપ્યું. તે એમની પરમ સિદ્ધિ હતી. આ વસ્તીપત્રક હાથમાં આવતાં દરેક જ્ઞાતિબંધુને તેનું મહત્ત્વ, તેની જરૂરીઆત અને તેની યથાર્થતાનું ભાન થયું. તેનો સારો એવો ઉપયોગ થવા લાગ્યો જેના કારણે તેની આવશ્યકતાનો દરેકને ખ્યાલ આવ્યો.

ત્યારબાદ બીજું વસ્તીપત્રક તા.૨૫-૧૦-૧૯૭૯ના રોજ એટલે કે એક દાયકા બાદ પ્રગટ થયું. લગભગ આઠ દશ વર્ષમાં કેટલાકનાં સરનામાં બદલાય, કુટુંબમાં સંખ્યાની વધઘટ થાય, ટેલિફોન નંબરો બદલાય, વગેરે વગેરે અનેક કારણોના લીધે ત્રીજું વસ્તીપત્રક બનાવવાની જરૂરીઆત જણાઈ. ત્રીજું વસ્તીપત્રક સને ૧૯૮૭માં પ્રકાશિત થયું. હવે ધીમે ધીમે તેની જરૂરીઆત સમજાવા લાગી જેના કારણે પાંચ જ વર્ષમાં તા. ૧૫-૮-૧૯૯૩ના રોજ આપણું ચોથા નંબરનું માહિતીસભર વસ્તી પત્રક પ્રગટ થયું. તેને લગભગ દશેક વર્ષ થવા આવતાં આ પાંચમું વસ્તીપત્રક આજે તા.૧૫-૮-૨૦૦૩ના રોજ આપના કરકમલમાં મૂકતાં અમને અત્યંત આનંદ થાય છે. આજ સુધીની આપણા સમાજની લગભગ તમામ માહિતી તેમજ આપણા સમાજનું મૂળ ક્યાં અને આપણે કોના વંશજો છીએ તે અંગે | ખૂબજ માહિતીસભર અંક આપને અમે અર્પણ કરીએ છીએ. આપણા મંડળે તેની ૭૩ વર્ષની કારકિર્દીમાં અને ખરેખર તો તેના છેલ્લા દોઢ જ દાયકામાં તેણે જે પ્રગતિ કરી છે તે તમામનો વિસ્તૃત અહેવાલ આ વસ્તીપત્રક આપને આપી રહ્યું છે. વસ્તીપત્રક આપણને આપણા સમાજના તમામ સભ્યોની આવશ્યક તમામ જાણકારી પૂરી પાડે છે.

Read More
એક આવશ્યક નોંધ:

આપણી જ્ઞાતિની સંસ્થાઓ તો જ્ઞાતિહિતનાં કામો માટે સતત કાર્યો કરે છે. પરન્તુ સાથે સાથે આપણ| સમાજના સમાજરત્ન મુરબ્બી શ્રી રમણલાલ જેઠાલાલ શાહ પોતે એકલા હાથે દાયકાઓથી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તેમજ નિમ્ન સ્તરનાં કુટુંબો માટે ૯૮ વર્ષની જૈફ વયે પણ એક યુવકની જેમ એક સંસ્થાની માફક સહાય કરી રહ્યા છે જેની નોંધ લેતાં આપણે સહુ આનંદપૂર્વક ગૌરવ લઈએ છીએ. આ સહાય ઉપરાન્ત મંડળને પણ તેમની સહાય પ્રાપ્ત થાય છે. નાતિના શ્રીમંત મરબીઓને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ મુરબ્બી શ્રી રમણભાઈ તથા રા, રા, ભાઈ શ્રી પંજાલાલ ત્રિકમલાલની માફક આપની લક્ષ્મીનું યોગ્ય વિતરણ જ્ઞાતિ બંધુઓના હિતમાં કરી કૃત કૃત્ય થાઓ. મુરબ્બીઓ, માનવ જીવનમાં આ તક આપને ફરીથી પ્રાપ્ત નહિ થાય. તો આપ પણ આ, મુરબ્બીઓના પગલે ચાલી આપની લક્ષ્મીને કૃતાર્થ અને પવિત્ર કરો એવી વિનંતી.

તમામ જ્ઞાતિબંધુઓ અને બહેનોને ખાસ વિનંતી કે ૧૮ વર્ષ અને તેથી ઉપરની વયનાં ભાઈ બહેનો રૂ, ૨૫૧/- આપી મંડળના આજીવન સભ્ય બની જાઓ. હવે ટૂંક સમયમાં આજીવન સભ્યફીની રકમ વધારવા મંડળ વિચારે છે. તો બનતી ત્વરાએ આપ આજીવન સભ્ય બની જાઓ તેવી વિનંતી. નહિ તો પાછળથી આપ આજીવન સભ્ય થશો તો વધારે રકમ આપવાની રહેશે.

અંતમાં સખેદ જણાવવાનું કે આપણા સમાજના ‘સમાજરત્ન' મુરબ્બી શ્રી રમણલાલ જેઠાલાલ શાહનું ૯૮ વર્ષની જૈફ વયે તા. ૧૬-૫-૨૦૦૩ના રોજ દુઃખદ નિધન થયેલ છે. આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમના પવિત્ર આત્માને પરમ શાન્તિ અર્પે.

શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ

Our Contacts