ઈ.સ. ૩૪૭ કે ૩૪૮માં વડનગરનું ‘નગર’ નામ રાખવામાં આવ્યું હતું. વડનગરની આઘ સ્થાપના વખતે જુદા જુદા ગોત્રવાળા અડસઠ બ્રાહ્મણો કુરુક્ષેત્રમાંથી આવીને વડનગરમાં વસ્યા હતા. તેઓને વડનગર વસાવનાર રાજાએ અડસઠ ગામો દાનમાં આપ્યાં હતાં. આ બ્રાહ્મણો વડનગરમાં જ વસ્યા અને તેમણે પોતાની જ્ઞાતિનું ‘નાગર’ નામ ધારણ કર્યુ. નગર શહેરના નામ ઉપરથી જ ‘નાગર’ સંજ્ઞા ધારણ કર્યાનું જણાય છે. શહેરોના નામો ઉપરથી સંજ્ઞાઓ ધારણ કર્યાના અનેક પુરાવાઓ આજે આપણી આગળ મોજૂદ છે. શ્રીમાળ ઉપરથી શ્રીમાળી, મોઢેરા ઉપરથી મોઢ, સાચોર ઉપરથી સાચોરા અને ડીસા ઉપરથી ડીસાવાળ, નામો જે તે સ્થાનોને લઈને જ પડ્યાં છે. નાગરખંડમાં લખ્યું છે કે પ્રભાવદત્તે નાગર જ્ઞાતિની સુવ્યવસ્થા કરવા અનેક પ્રબંધો રચ્યાં હતાં. આથી એમ સ્પષ્ટ જણાય છે કે વડનગરા બ્રાહ્મણોએ પ્રભાવદત્તના સમયમાં જ ‘નાગર’ સંજ્ઞા ધારણ કરી હતી. ત્યારબાદ નાગરોની વસ્તી પુષ્કળ વધી. નાગરોની સમૃદ્ધિ અને આબાદીના કારણે વડનગર ઉપર વારંવાર બહારના હૂમલા થયા. અરાજકતા વધવા માંડી જેના કારણે ઘણા નાગરો ત્યાંથી નીકળી જુદે જુદે ઠેકાણે જઈ વસ્યા. આજે જણાતા નાગરોના વડનગરા, વિસનગરા, પ્રશ્નોરા, સાઠોદરા, કૃષ્નોરા, ચિત્રોડા વગેરે ભેદો જે તે સ્થાનોના નિવાસને લઈને જ પડ્યા હોવાનું જણાય છે. એટલે લગભગ તમામ નાગરોનો કે નાગર સંજ્ઞાનો અભેદ સંબંધ વડનગર સાથે છે એમ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. વડનગરમાં થઈ ગયેલા નાગરોમાં અનેક વિદ્વાનો, કવિઓ, રાજમંત્રીઓ અને રાજપુરોહિતો થઈ ગયા છે, જેઓનો ટૂંક પરિચય અનેક પુસ્તકોમાં મળી આવે છે.
સિદ્ધરાજ જયસિંહે ‘અણહિલપુર પાટણ’ ની સ્થાપના કરી ત્યારે અને ત્યારબાદ પણ વડનગર વિદ્વાનોના ધામરૂપ લેખાતું. ત્યાંના અનેક નાગર વિદ્વાનોને ચૌલુક્ય અને વાઘેલા રાજવીઓએ આમંત્રી તેમની વિદ્યાકળાને સત્કારી હતી. એટલું જ નહિ તેમને રાજ્યમાં ઊંચામાં ઊંચા હોદ્દા ઉપર નીમ્યા પણ હતા. નાગરખંડમાં વડનગરને ‘ઈન્દ્રનગરી’ ની ઉપમા આપી છે. અને પૌરાણિક કલ્પના અનુસાર રત્નમંદિરો અને વૈડુર્ય સ્તંભોના પ્રાસાદોથી શોભતું અતિભવ્ય નગર જણાવ્યું છે. અબુલ ફઝલે ‘આઈને અકબરી' માં લખ્યું છે કે વડનગર એક મહાન નગર હતું. તેમાં જુદા જુદા ગોત્રવાળાં અનેક નાગર કુટુંબો રહેતાં હતાં. શહેરમાં ત્રણસો નાનાં મોટાં મંદિરો હતાં. અને દરેક મંદિરની પાસે નિર્મળ જળથી છલકાતું એક એક તળાવ હતું. આ નગરમાં દરરોજ લાખો રૂપિયાના વેપારો થતા. વડનગરનો વૈભવ લૂંટવા જુદા જુદા સમયે નાગલોકોએ, ગુર્જરોએ, આરબોએ, કુતુબુદ્દીને, અલાઉદ્દીને, મરેઠા સરદાર અંતાજી ભાસ્કરે અને પેશ્વાએ ચઢાઈઓ કરી. વડનગર વારંવાર લૂંટાયું છતાં તેની જાહોજલાલી ઝાંખી પડી નહિ. અકબંધ રહી. પરન્તુ છેલ્લી વખત લૂંટાયા બાદ તે ફરીથી બેઠું થઈ શક્યું નહિ. તેની વર્તમાન સ્થિતિ જોઈએ તેવી નથી.
છેલ્લાં 100કે ૧૨૫ વર્ષ દરમ્યાન હિન્દના ઈતિહાસના જિજ્ઞાસુ, યુરોપીય વિદ્વાનોમાં કેમ્પ બેલે (CAMPBELL). બોમ્બે ગેઝેટીયર (BOMBAY GAZETTEER)માં , કર્નલ ટૉર્ડ (COLONEL TODD) “HISTORY OF KATHIAWAR AND RAJASTHAN’ માં (JAMES FERGUSON) જેમ્સ ફરગ્યુસને ‘HISTORY OF INDIAN & EASTERN ARCHITECTURE’ માં વડનગરની ખાસ નોંધ કરી છે. આ ઉપરાન્ત ‘નાગરોત્પત્તિ’ અને વડનગર અંગે પણ અનેક કીમતી લેખો લખાઈ ચૂક્યા છે. આ ઉપરાન્ત શ્રી કનૈયાલાલ મુનશીના ‘નાગરોનો ઈતિહાસ', શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેના ‘વડનગર', શ્રી માનશંકરભાઈ ના ‘નાગરોત્પત્તિ', કવિ શ્રી દલપતરામના ‘નાગર પ્રવરાધ્યાય’ અને સ્કન્દ પુરાણના નાગરખંડમાંથી નાગરો અંગે વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. બધું અહીં પ્રગટ કરતાં મોટો ગ્રંથ થાય.
કુમારપાળ કારિત ‘વડનગર પ્રાકાર પ્રશસ્તિ' માંથી થોડોક ભાગ લઈ વડનગરની ઉત્તમોત્તમતાનું એક નાનકડું ચિત્ર આપ સૌની સમક્ષ રજૂ કરૂં . ‘બ્રહ્માદિક ઋષિઓએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઊભા કરેલા યશસ્તંભોએ આપેલા ટેકાને લીધે પગની ગરજ વિનાનો બનેલો ધર્મ એ નગરમાં ચારે યુગમાં આનંદથી વિકસી રહ્યો છે, તેથી તે નગરને દેવોએ આનંદપુર કે આનંદધામ એવું બીજું નામ આપ્યું છે. દ્વિજ વર્ગના આશ્રાત વેદધોષથી બહેરો બનેલો, અવિરત હોમના અગ્નિના ધુમાડાઓથી અંધાપાને પામેલો, અનેક દેવમંદિરોની ધ્વજ શિખાઓના આશ્રાતથી લૂલો બનેલો કળિયુગ પોતાનો સમય હોવાથી ઉત્સાહ યુક્ત હોવા છતાં આજે એ નગરની સમીપ આવી શક્તો નથી.'
વળી વિપ્ર વનિતાઓના વિવિધ રત્નાલંકારોની ફેલાઈ રહેલી પ્રભાવડે હસતા અને સતત ગીત ધ્વનિથી વાચાળ બનેલા આર્ય દ્વિજો જ એ નગરમાં અવિરત ઉત્સવમાં દષ્ટિએ પડતા બહોળા વિભવને પ્રકટ કરીને, રાજાની સુરાજય સંપત્તિને જાહેર કરે છે.
કામની વૃદ્ધિ કરનાર લક્ષ્મી સમાન સુંદર નારીઓ વડે નિત્ય રમ્ય બની, શ્રુતિનાં ગાનપરાયણ દ્વિજોનાં મંડળથી અતિ અર્જિત થઈ, અને પરમગુણ સંપન્ન આવૃત્ત કરતી ઉચ્ચ દિવાલથી પ્રસન્ન થયેલા જનોથી ઉજ્જવળ થયેલી અંદર અને બહારની ભૂમિ અહીં હવે અદ્ભુત શોભા ધારે છે. આ છે વડનગરનો વૈભવ.
શ્રી હાટકેશ્વર મહાદેવની સ્થાપના ઈ.સ.ના ત્રીજા સૈકામાં થઈ હતી, એમ નાગરખંડ ઉપરથી જણાય છે. નાગરખંડના અધ્યાય ૧૦૭માં લખ્યું છે કે ચમત્કારપુર (પ્રાચીન વડનગર)માં વત્સ ગોત્રનો ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને ચમત્કારપુરમાં ‘પાતાળના હાટકેશ્વર’ ની સ્થાપના કરવાની ઈચ્છા થઈ. તેથી તેણે ભગવાન શંકરનું ઉગ્ર તપ કરી વરદાન મેળવ્યું. જેના કારણે તેણે ચમત્કારપુરમાં હાટકેશ્વરની સોનાના લિંગની પ્રતિષ્ઠા કરી, ‘હટક' એટલે સવર્ણ, જેમ તમામ ધાતુઓમાં સુવર્ણ ઉત્તમ છે તેમ નાગરો દરેક બાબતમાં ઉત્તમતાને વધારે મહત્ત્વ આપતા. હાટકેશ્વરનું ભવ્ય મંદિર બંધાવ્યું. ‘હટક’ એટલે સુવર્ણ, એક કિંવદત્તી છે કે હાટકેશ્વરનું દેહરૂં શહેરના મધ્ય ભાગમાં હતું. કદાચ એમ હશે જ. પરન્તુ પ્રાચીન શહેરનો નાશ થયા પછી શહેરની પુનરરચના કરવા સંવત ૧૨૦૮માં હાલનો શહેરનો નવીન કોટ બંધાવ્યો ત્યારે હાટકેશ્વરનું દેવાલય શહેર બહાર રહી ગયું હશે એમ જણાય છે. અહીં શ્રાવણ માસમાં દર સોમવારે મોટો મેળો ભરાય છે. મહાદેવનું આ મંદિર નદીઓળ દરવાજાની પાસે છે. દેહરૂં પત્થરબંધ બાંધેલું છે. તેની ચારે બાજુએ ઉતરવા માટે ધર્મશાળાઓ છે. દેહરૂં પ્રાચીન અને ભવ્ય છે. દેહરાને ફરતી ગ્રાસપટ્ટી ઉપર આવેલ વેદીમાં વિષ્ણુના દશ અવતારો અને અનેક પૌરાણિક કથાઓની હકીકતો કોતરેલી છે. આ ઉપરાન્ત પાંચ પાંડવો તેમજ પાંડવોની બાલક્રીડા પણ કોતરેલી છે જે દર્શનીય છે. દેહરાનું શિખર ઘણું ઊંચું છે. દેહરામાં પ્રવેશતાં જ મોટો વિશાળ મંડપ આવે છે. મંડપમાં સામે જ ગર્ભાગાર છે. ત્યાં ભગવાન હાટકેશ્વરનું પુરાતન લિંગ છે. અહીંનું શિલ્પકામ બેનમૂન છે. તેમાં મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરેનાં શિલ્પો કોતરેલાં છે.
નદીઓળ દરવાજાની નજદીકમાં જ સોમનાથ મહાદેવનું મંદિર છે. સોમનાથ મહાદેવ સોમપુરા સલાટોના ઈષ્ટદેવ ગણાય છે. શિલ્પકામ કરનાર સોમપુરાઓ સોમનાથના દર્શનને ખૂબજ મહત્ત્વ આપે છે. નાગરખંડના અધ્યાય
સામાન્ય રીતે સાતે ગામમાંથી બબ્બે ત્રણ ત્રણ વગદાર વ્યક્તિઓને આ પંચના આગેવાનો ગણવામાં આવ્યા. જ્યારે જ્ઞાતિમાં કોઈ ગુનો થાય કે જરૂર જણાય ત્યારે જ્ઞાતિનું પંચ ભેગું થાય અને ત્યાં બધા જ્ઞાતિજનોની હાજરીમાં નિર્ણયો લેવાય. જો કે આ પંચની કાર્યવાહીમાં કોઈ નિયમો બરાબર જળવાતા નહિ. પક્ષપાત પણ થતા અને નિયમોના અર્થ ઠીક લાગે તે રીતે કરવામાં આવતા. સામાન્યરીતે આપણે જાણીએ છીએ કે સત્તાનો દુરૂપયોગ બધે જ થતો આવ્યો છે.
આ સમયે કેટલાક કુરિવાજો પણ દાખલ થયેલા. બાળલગ્નો, મરણ પાછળ રડવા કૂટવાનું, મરણ પાછળ પણ જમણવાર, શિક્ષણનો અભાવ, કન્યા વિક્રય વગેરેની બોલબાલા હતી. કન્યા વિક્રય કરનારને પંચ તરફથી દંડની શિક્ષા થતી.પરન્તુ ગરીબી અને નાણાંના લોભે કન્યા વિક્રયને નાથવામાં દાદ ન દીધી. આ સમયે ગાયકવાડ સરકારે ‘જ્ઞાતિત્રાસ નિવારણ'નો કાયદો કર્યો, જેના કારણે જ્ઞાતિઓનાં પંચોનું જોર હળવું થયું. જ્ઞાતિનાં બંધારણો તૂટવા લાગ્યાં અને જ્ઞાતિના બંધારણના કડક નિયમો અર્થહીન બની ગયા. આ હતી વીસમી સદીની પ્રથમ પચીસી.
આ સમયે જ્ઞાતિનાં ધાર્મિક તેમજ સામાજિક કાર્યો માટે પુરોહિતોની જરૂર જણાઈ. વિસનગર પાસેના વાલમ ગામમાંથી કર્મકાંડના જાણીતા અને ધાર્મિક કાર્યો કરાવવામાં નિષ્ણાત એવાં બ્રાહ્મણ કુટુંબોના નીચેના પુરોહિતોને આપણા સમાજમાં વસાવ્યા અને આપણું ગોરપદું કરવા તેમને વિવિધ કુટુંબો વહેંચી આપ્યાં. આ આદરણીય પુરોહિતોએ જ્ઞાતિનાં તમામ કુટુંબોની ધાર્મિક અને સામાજિક વિધિઓ અત્યંત ઉત્તમ રીતે કરી.
સર્વ પ્રથમ પૂજ્ય પીતામ્બરરામ અને પૂજય જેઠારામ અને તેમના સુપુત્ર પૂજય શ્રી નર્મદાશંકર જોશી તથા તેમના પુત્ર ભોગીલાલ અહીં આવ્યા. પૂજય નર્મદાશંકરના સુપુત્ર પૂજય શ્રી ભોગીલાલ જોશીને સારી એવી ફાવટ આવી. તેમણે ચારે જણે શરૂ શરૂમાં આપણાં તમામ ધાર્મિક કાર્યો, લગ્નો તથા મરણોત્તર કાર્યો કરાવ્યાં. જ્ઞાતિની સંખ્યા વધતાં પૂજય શ્રી લલ્લુરામ (જેમને આપણે ગટાગોર કહેતા હતા) અમથારામ અને બાપુલાલ ગોરને પણ બોલાવવામાં આવ્યા. પૂજ્ય લલ્લુરામના સુપુત્ર ભાઈશ્રી ભાલચંદ્રભાઈએ તેઓ જીવ્યા ત્યાં સુધી સેવા આપી. ત્યારબાદ તેમના સુપુત્રે પણ સેવા આપી. બાપુલાલ ગોરના સુપુત્ર પૂજ્ય ભગવતીપ્રસાદે અને તેમના પુત્ર ભાઈ શ્રી મધુકરે પણ તેઓ જીવ્યા ત્યાં સુધી સેવા આપી. પૂજય અમથારામના એક સુપુત્ર ભાઈ શ્રી નંદલાલ પૂનામાં સ્થિર થયા જયારે તેમના ભાઈ શ્રી નટવરભાઈ એ પણ તેઓ જીવ્યા ત્યાં સુધી સેવા આપી.
હવે વર્તમાન સમયમાં આપણાં ધાર્મિક કાર્યો માટે આપણી પાસે લગભગ કોઈ પુરોહિત નથી. પૂજ્ય ભોગીલાલના સુપુત્ર ભાઈશ્રી રમેશભાઈ, ભાઈશ્રી હરિપ્રસાદભાઈ તથા ભાઈશ્રી પ્રભાકરભાઈ નોકરી તથા વ્યવસાયમાં જોડાયા જ્યારે આજે મુ. ભાઈશ્રી રમેશભાઈના સુપુત્ર ભાઈશ્રી રાજુભાઈ છે. જે એકલા વિસ્તૃત થયેલી સમસ્ત જ્ઞાતિમાં પહોંચી વળી શકે તેમ નથી. આજે પુરોહિત અંગેની મોટી સમસ્યા છે જ.
જ્ઞાતિના ઉપરોક્ત કુરિવાજોને દૂર કરવા, કેળવણીનો પ્રચાર કરવા, કન્યા વિક્રયના દુષણને નાથવા વગેરે સુધારા માટે જ્ઞાતિના કેટલાક સમજદાર અને સુધારાવાદી યુવકોએ સને ૧૯૩૦માં “શ્રી બારીઆ સાતગામ દશાનાગર યુવક મંડળની સ્થાપના કરી.